Histories

» Show All     1 2 3 4 5 ... Next»     » Slide Show

"કડવા પાટીદાર" જ્ઞાતિની ઉત્પત્તિ, વિકાસ વિશે

અશોક કૈલા દ્વારા સંકલિત

"કડવા પાટીદાર" જ્ઞાતિની ઉત્પત્તિ, વિકાસ વિશે  -અશોક કૈલા                                 


આમ તો માનવ જાત મનુ ભગવાનની વંશ છે. જગતની સંસ્કૃતિનું સર્જન બીજ પણ તેમાં છે. માનવ ટોળીના રૂપમાં ભટકતાં ભટકતાં ઠરી ઠામ થયો. આંતર સંબંધોથી સભાનતા કેળવીને વિકાસનો પાંગરતો માનવી કુળ, મૂળનો ખ્યાલ બાંધતો ગયો.
હજારો વર્ષ પહેલા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં આર્યો વસતા હતા. સ્વભાવગત તથા વધતી વસ્તીને લીધે, પશુપાલન અને ખેતી માટે સારા પ્રદેશોની શોધમાં આર્ય પ્રજાના જુદા જુદાસમુહો ઇરાન – અફઘાનિસ્તાન તથા યુરોપમાં ફેલાયા. પામીરમાંથી છૂટી પડેલ આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઇ ખૈબર ઘાટ દ્વારા હિંદકુશની પર્વતમાળા ઓળંગી સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતા વિસ્તરતા આર્ય પ્રજા પાંચ નદીઓના પ્રદેશ પંજાબમાં સ્થાયી થયા. (ઇ.સ. પુર્વ 2000 થી ઇ.સ. 1000 સુધીમાં) હાલના લાહોર તથા અમૃતસરની બાજુમાં આવેલા ‘કરડ’ પ્રદેશમાં ઘણા લાંબા સમય સુધી રહેલા વસાહતી આર્યો એ જ આપણા વડવાઓ.

કૂર્મી શબ્દ વિશે
પૌરાણીક માન્યતા પ્રમાણે સૃષ્ટિના સર્જક બ્રહ્માજીના પૌત્ર, મરિચી ઋષિના પુત્ર કશ્યપ મુનિ, જેના કૂળના નામ કૂર્મ હતું. એના આપણે વંશજો છીએ. આજે પણ કૂર્મી ક્ષત્રિયોનું ગોત્ર ‘કશ્યપ’ ઋષિ છે. ‘કુમ્બી’ નો અર્થ થાય છે ગૃહસ્થ – ભારતની મહાન કૃષક જ્ઞાતિ ‘કુટુંબિક’ પરથી ઉતરી આવેલ છે. જેના પરથી ‘કૂર્મી’ શબ્દ પ્રચલિત બન્યો હોવાનું અનુમાન છે. પ્રાચીન ગ્રંથ અનુસાર ‘કૂર્મી’ એટલે કૃષક. અમર કોશમાં પણ ‘ખેડુત’ માટે ‘ક્ષેત્રાજીવ’, ‘કર્ષક’, ‘કૃષક’ અને ‘કૃષિવલ’ જેવા નામ અપાયેલ છે.
આમ ખેતીકામ સાથે સંકળાયેલ હોવાથી ‘કૂર્મી’ કહેવાયા. કૂર્મી શબ્દનો સંસ્કૃત શબ્દ કોષમાં ‘ભૂ અસ્ય અસ્તિ ઇતિ કૂર્મી’ એટલે કે જેની પાસે જમીન હોય તે કૂર્મી એવું અર્થઘટન કરવામાં આવ્યું છે.
હાલના પાટીદારો ઇ.સ. પુર્વે 2500 ની સાલમાં જ્યારે પંજાબમાં વસતા હતા ત્યારે વર્ણવ્યવસ્થા પ્રમાણે તેઓ ક્ષત્રિયો હતા. ઇ.સ. પુર્વ 200 ની સાલમાં એટલે કે વર્ણવ્યવસ્થા શરૂ થયા બાદ ક્ષત્રિયોના ત્રણ પેટા વિભાગો પડ્યા જેમાં (1) રાજનરાજા (2) ક્ષત્રિય અને (3) કૂર્મી ક્ષત્રિય. આમ કૂર્મી ક્ષત્રિયનો વ્યવસાય જરૂર પડ્યે લડવાનું અને શાંતિના સમયમાં ખેતી–પશુપાલનનો હતો. જેથી આપણે કૂર્મી ક્ષત્રિય કહેવાયા તેમ સંશોધનો પરથી વિદ્વાનોએ સ્વીકારેલ છે. કૂર્મી ક્ષત્રિય જન હિંદીભાષાના પ્રદેશોમાં કૂર્મી, ગુજરાતમાં પાટીદાર કે પટેલ, મહારાષ્ટ્રમાં કુનબી, મરાઠા કે પાટીલ, આંધ્રપ્રદેશમાં રેડી અને કાંપૂ કર્ણાટકમાં કમ્પા, વક્કલિંગર, કુલબી અને ઉડિયામાં કૂર્મા નામથી તેમજ દક્ષિણ કોંકણમાં કુલબદી તરીકે ઓળખાય છે. કેટલીક જગ્યાએ કુરમી, કુરમ્બસ, કુદમ્બીસ શબ્દ પ્રયોગો પણ જોવા મળે છે.

કડવા પાટીદારની ઉત્પતિ

દંતકથાઓએ ઐતિહાસિક સત્ય નથી, ને તે અસત્ય છે તેવું કોઇ પ્રમાણ પણ નથી. દંતકથાની સાથે લોકવાયકા ભળે છે. દંતકથામાં શ્રદ્ધાનો હેતુ જોડાયેલો હોય છે. જુદા જુદા પુસ્તકોમાં જુદી જુદી વ્યક્તિઓએ કડવા પાટીદાર જ્ઞાતિની ઉત્પતિ વિશે જે દંતકથા રજુ કરી છે તે નીચે મુજબ છે.
1, શ્રી ઉમિયા માતાજીના હસ્તે કડવા પાટીદારની ઉત્પતિ.
2, વહીવંચાઓના આધારે કડવા પાટીદારની ઉત્પતિ.
3, દેસાઇ પટેલના વહીવંચાની કહાણી.
4, ‘લેઉઆ પુરાણ’ ના આધારે કડવા પાટીદારોની ઉત્પતિ.
5, ‘બ્રાહ્મણોત્પતિ માર્તડ’ ના આધારે કડવા પાટીદારોની ઉત્પતિ.
6, લવ કુશના વંશજોના આધારે કડવાઓની ઉત્પતિ.
7, મા ઉમા અને ભગવાન શંકરે સ્વહસ્તે નંદી અને ત્રિશૂળ અર્પણ કર્યા તે દંતકથા.

કુર્મીઓને પંજાબ છોડવાનું કારણ (ઉત્તર ભારતમાં)
પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસ્તી ખુબ વધી ગઇ. જેથી કૂર્મીઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખુબ ખેંચ પડવા લાગી તેથી કૂર્મી ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમુનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. તેમાંના કેટલાક ટોળા રાજસ્થાન અને આબુ પાસેના ભિન્નમાલ (શ્રીમાળ) સુધી આવ્યા.
હાલના ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહારમાં મુખ્ય વસ્તી કૂર્મી ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લોયા પ્રદેશમાંથી આવેલા કૂર્મીઓને લોર કૂર્મી કહે છે. અને કરડ અથવા ખરડ પ્રદેશોમાંથી આવેલાઓને ખારી કૂર્મી કહે છે. રાજસ્થાનમાં પણ લોર કૂર્મીઓને લોર પટેલ અને ખારી કૂર્મીઓને ખારી પટેલ કહે છે. આમ ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારી કૂર્મીઓ ગુજરાતના લેઉઆ અને કડવા પાટીદારોના ભાઇઓ છે.

પંજાબના કૂર્મીઓનો ગુજરાતમાં પ્રવેશ
ઐતિહાસિક દસ્તાવેજો પ્રમાણે જોઇએ તો ઇ.સ. પુર્વે 600 થી ઇ.સ. પુર્વે 200 સુધીના સમયમાં જે કૂર્મીઓએ પંજાબ છોડ્યું તેઓ રાજસ્થાન થઇ ગુજરાતના સરસ્વતી નદીના પ્રદેશમાં આનર્ત પ્રદેશમાં આવ્યા.
આ કૂર્મીઓ ઇ.સ. 200 સુધીમાં ક્રમે ક્રમે હાલના વડનગર, ઉંઝા, સિદ્ધપુર, પાટણવાડો, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાતમાં ફેલાયા. આ કૂર્મીઓનો મોટો ભાગ કરડ પ્રદેશમાંથી આવેલ કડવા કૂર્મીઓનો હતો.
લોર કૂર્મીઓ લેયા પ્રદેશમાંથી નીકળીને અજમેર, મારવાડ, જયપુર, ભિન્નમાલ અને હાલના પાટણવાડાના માર્ગે ‘અડ્ડાલય’ પ્રદેશમાં અડાલજ આવ્યા.
ઉત્તર ગુજરાત અને અડ્ડાલય પ્રદેશમાંથી લેઉઆ અને કડવા કણબીઓ ક્રમે ક્રમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેલાયા.
અડાલજમાં લેઉઆ કણબીઓની વસ્તી વધતાં તેમણે દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું. અડાલજથી પ્રથમ દસક્રોઇમાં ગયા અને ત્યારબાદ અનુક્રમે ચરોતર, ભાલ, વાકળ અને કાનમ સુધી પહોંચી ગયા.
ચાંપાનેરનું પતન થતા ત્યાંના લેઉઆ અને કડવા કણબીઓ વડોદરા, ભરૂચ અને સુરત-વલસાડ સુધી પહોંચી ગયા.
છેવટે આ બધા પ્રદેશોમાંથી લેઉઆ અને કડવા કણબીઓ ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.
મઘાવતીના રાજા વ્રજપાલજી આનર્ત (ઉ.ગુ.) માં વસ્યા અહીં અગાઉથી વસતા પાટીદારો સાથે મેળાપ થતા ઇ.સ. 156 માં ઉંઝા ગામ વસાવ્યું અને કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપના કરી.

કૂર્મીમાંથી કુણબી અને કણબી
ઉત્તર ગુજરાત અને અડ્ડાલય પ્રદેશમાં કૂર્મી શબ્દમાંથી અપભ્રંશ શબ્દ કુણબી અને કણબી થયો. આમ લેયા પ્રદેશના કૂર્મીઓ લેઉઆ કણબી અને કરડ પ્રદેશના કૂર્મીઓ કડવા કણબી કહેવાયા.
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઇ.સ. 1412 થી 1573) ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર, નેતા, અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના “મુકતા” શબ્દમાંથી આવ્યો છે.

પટેલ કેમ કહેવાયા ?
‘પટેલ’ શબ્દ મૂળ “પરલિક” માંથી આવ્યો. ગામડાના મુખીને માનવાચક શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલના) સગાવહાલા અને સંબંધીઓ પણ પટેલ કહેવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત લગભગ ઇ.સ. 1400 પછી થયેલી જણાય છે. ઇ.સ. 1400 સુધી ગુજરાતમાં બધા જ પટેલો કણબી (કૂર્મી) કહેવાતા હતા.
પટેલ શબ્દ કણબી ઉપરાંત વાણિયા, બ્રાહ્મણ, મુસલમાન, હરિજન, દરજી, મોચી અને લગભગ બધી જ્ઞાતિઓના મુખી તેમજ જ્ઞાતિઓના આગેવાન માટે વપરાવા લાગ્યો. પણ હાલમાં બીજી જ્ઞાતિઓમાં પટેલ શબ્દનો વપરાશ ઓછો થયો છે. હાલમાં ફક્ત કણબીઓને જ પટેલ કહે છે. આમ પટેલ શબ્દ એ કણબીઓની અટક છે. જ્ઞાતિ નથી.
કણબી અને પાટીદાર એ જ્ઞાતિ છે. મહારાષ્ટ્રમાં પટલિક પરથી પાટીલ, કર્ણાટકમાં રેડી, તેલુગુમાં નાયડુ વગેરે નામોથી ઓળખાય છે.

કણબીમાં પાટીદાર
ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત થયે લગભગ 300 વર્ષ થઇ ગયા હતા. એ અરસામાં પીપળાવ (જી. ખેડા) માં વીર વસનદાસ નામે એક પટેલ હતા તેઓ તે સમયના મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારા સંબંધ ધરાવતા હતા. તેમણે ધોળકા, માતર અને પેટલાદ તાલુકાનું મહેસુલ ઉઘરાવવાનું ઇજારો મેળવ્યો હતો. તેમણે સંવત 1759 (ઇ.સ. 1703) માં પીપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહજાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું. આ મેળાવડામાં વીર વસનદાસે બાદશાહના દફતરમાં કણબીને બદલે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો. પાટીદારનો અર્થ જમીન ધારણ કરનાર એવો થાય છે. પાટી એટલે જમીન, દાર એટલે ધારણ કરનાર એટલે જેની પાસે જમીન હોય તે પાટીદાર.
(પાટીદાર વિશ્વકોશ માંથી)


Owner of originalhttp://www.sabrasgujarati.com/1022/
Date24 Sep 2013

» Show All     1 2 3 4 5 ... Next»     » Slide Show




Home Page |  What's New |  Most Wanted |  Surnames |  Photos |  Histories |  Documents |  Cemeteries |  Places |  Dates |  Reports |  Sources