Histories

» Show All     «Prev 1 2 3 4 5 6 ... Next»     » Slide Show

ઝાલાવાડી-ખાખરિયા કડવા પાટીદારો ઐતિહાસિક ગાથા અને વર્તમાન



ભારત ઈ.સ.૧૯૪૭માં આઝાદ થયો તે પહેલાં સમગ્ર દેશ પર અંગ્રેજો તથા નાના-મોટાં રાજા-રજવાડાં તથા ગામધણી કે દરબારોનું શાસન હતું. થોડા સારા શાસકોને બાદ કરતાં મોટાભાગે પ્રજાનું શોષણ કરનાર શાસકો હતાં. પ્રજા અતિ પછાત અને દુઃખી હતી. તેવા કપરાં સમયે સૌરાષ્ટ્રમાં નાના નાના દરબારો - ગામ ગરાસિયાઓનું રાજય હતું. ધ્રાંગધ્રા સ્ટેટ જે આજે સુરેન્દ્રનગરનો વિસ્તાર જે ઝાલાવાડ તરીકે ઓળખાતો હતો. આ વિસ્તાર નપાણિયો, આકાશી ખેતી ઉપર નભતો હતો. પથરાળ જમીન ને આવળ-બાવળને બોરડીવાળો વિસ્તાર એટલે ઝાલાવાડ. ખેતી સિવાય કોઈપણ ઉદ્યોગો નહોતાં અને ખેતી કરનાર માત્ર પાટીદાર એટલે પટેલો હતાં. પરંતુ ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય હતી. દરબારો કેવળ શોષણ કરતાં. ખેત પેદાશો ખળામાંથી ખેડૂતોને જીવનનિર્વાહ પણ ન થાય તેટલા પ્રમાણમાં આપી બાકીની દરબારોની ડેલીએ પહોંચાડવી પડતી. વેઠપ્રથા પાટીદારોના સ્વમાન પર મરણતોલ ઘા કરતી હતી. વાડજ ચિફડા ગળે પછી ક્યાં ફરિયાદ કરવી ? ગુલામ જેવી હાલત હતી. કહેવાય છે કે પટેલો જાડા વેજાનાં કપડાં પહેરતાં. આજે જેને સૂરવાલ કહીએ છીએ તેને ચોંઈણો કહેતાં તે વેજાનો હોય. પરંતુ રાજા-દરબારનું ફરમાન હતું કે પટેલોએ ચોંઈણાંનું નાડું સીંધરીનું (કાથી) નાખવાનું ફરજીયાત હતું. જેથી કમરમાં ખૂંચે એટલે સતત શાસકની યાદ રહે. કોઈ માથું ઉંચકે નહિં.

આવી ત્રાસજનક વેઠ અને અસ્તિત્વના પ્રશ્ને, સ્વમાની, પરિશ્રમી અને સાહસિક હિંમતવાળા પટેલો રાતો-રાત ચોરી છૂપીથી પોતાના ઘર-વાડી-ખેતરોનો ઉભો પાક મૂકી, સૂંડલામાં સમાય તેટલી ઘરવખરી અને પરિવાર સાથે બાપ દાદાના ગામને છોડી બીજા પ્રદેશોમાં હિજરત કરી ગયાં. કદાચ રાજય છોડનાર ખેડૂત પટેલ પકડાઈ જાય તો અતિ કઠોર શિક્ષા ભોગવવી પડતી હતી. આવી સ્થિતિમાં પણ આપણે ઝાલાવાડમાંથી ખાખરિયા ટપ્પામાં આવી વસ્યાં. આ વિસ્તાર કડી-સાણંદ અને વિરમગામ-દેત્રોજ વચ્ચેનો વિસ્તાર છે. જે ખાખરિયા સમાજથી ઓળખાય છે. ઝાલાવાડથી હિજરત કરી ખાખરિયામાં વસેલાં કડવા પાટીદારો જેને ઝાલાવાડી-ખાખરિયાના પટેલો કહે છે. જે આપણો ખાખરિયા સમાજ છે. ખાખરિયા સમાજના ૪૨ થી ૪૮ જેટલાં ગામડાં છે. છેલ્લાં ૨૦૦ વર્ષની અંદર બધાં ગામ વસ્યા છે.

ખાખરિયા વિસ્તાર પણ પછાત હતો. જયાં ખાખરાનું વન હતું. મોટા ભાગે ખાખરા, બાવળ, બોરડી-લીમડાં-વખડાં જેવા વૃક્ષોનું જંગલ ખારાં પાણી અને સુવિધા અને વ્યવસ્થાના નામે કશું જ નહોતું. કડી તાલુકાનો આજનો આપણો વિસ્તાર ગાયકવાડી હતો. ગાયકવાડ સરકાર પ્રજા-ખેડૂત વત્સલ હતાં. શિક્ષણ સાત ધોરણ સુધી ફરજીયાત હતું અને દરેક ગામમાં પુસ્તકાલય - કૂવા સલામતી માટે ચોકીદારો વગેરેની સહાય પ્રજાને મળતી હતી. વિરમગામ તાલુકાના થોડાં ગામ દરબારોના શાસનમાં હતાં. ઝાલાવાડથી હિજરત કરી વિરમગામ આસપાસ દરબારોના આશ્રયે ઘણાં ગામ વસ્યાં. પ્રારંભકાળે આ દરબારોનો ઘણો સાથ અને સહકાર મળ્યો. પોતાનાં જંગલો ખેડૂતોને ખેતી કરવા માટે આપ્યાં જેથી ખાખરાનાં જંગલો કાપી, મૂળિયા કાઢી ખેતીલાયક જમીન કરી વસવાટ કર્યો. અહીં આપણા વડવાઓએ પરિશ્રમ અને પરાક્રમનો ઈતિહાસ રચ્યો છે. સાદું અને ભક્તિમય જીવનના બળે સુખનાં મંડાળ થયાં.

ગામ બાંધણી ઉત્તમ છે. પહોળી શેરીઓ ડેલીબંધ સ્વતંત્ર મકાનો, ઢોર માટે અલગ ઢાળિયું, ઘાસ ભરવા જુદી કોઢ, ઓસરીબંધ બે ઓરડા અને રસોડું અલગ જેવી આધુનિક સગવડો હતી. પ્રારંભમાં કાચા માટીના નળિયાવાળા – પછી વિલાયતી નળિયા અને હાલ પાકા મકાનો છે. દરેક ઘેર ખેતીમાં સહાય કરતાં ઢોર જેવાં કે બળદની જોડ, ભેંસો, ગાયો, વાછરડાં અને સુખી ઘરનાં ઘોડી રાખતાં. વાહન વ્યવહારમાં બળદગાડું અને ઘોડી સિવાય કોઈ યાંત્રિક સાધન નહોતા. સાયકલ, રેડિયો, સ્કૂટર બહુ મોડાં આવેલાં. દરેક ગામમાં ગામત કૂવો, હવાડો, તળાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં બાઈઓ અને ભાઈઓનાં અલગ અલગ મંદિરો, રામજી મંદિર, ચોરો, શિવાલય અને હનુમાનજીની નાની મોટી દેરી, ધૂળી નિશાળથી પંચાયતની પ્રાથમિક શાળા હતી. ગાય, ભેંસ અને બળદ પ્રત્યેક ઘરમાં હોય જ. ઢોર ચરાવવા ખરાબો અને પક્ષિયો માટે ચબૂતરો ગાંદરે શોભતો. મુખ્ય કડવા પાટીદારો અને થોડાં મજૂરી કરતાં ઠાકોર કોમનાં કુટુંબો હતાં.

ખાખરિયા પ્રદેશમાં સ્વામિનારાયણ તથા રામ સંપ્રદાયનું પ્રભુત્વ છે. સાદગી, સ્વચ્છતા અને સંસ્કાર સમાજની મૂડી હતી. વ્યસનમુક્તિ અને પ્રભુ ભક્તિ વડે કપરાં કાળમાં પણ ટકી શક્યાં. શિક્ષણ ખૂબ જ ઓછું હતું. પરંતુ છેલ્લાં ૫૦ વર્ષમાં સમાજનાં આગેવાનોને શિક્ષણનું મહત્ત્વ સમજાયું અને કડી તાલુકાનું કલ્યાણપુરા ગામ મોટું અને વેપાર-ઉદ્યોગો અને સેન્ટરમાં હોઈ ત્યાં સમાજનાં ગામો ગામના ર્આિથક સહયોગથી એસ.એસ.સી. સુધીની છાત્રાલય સાથે માધ્યમિક શાળાનો પ્રારંભ કર્યો. શિક્ષણની બીજી સુવિધા સર્વ વિદ્યાલય કડીની હતી. સુખી ખેડૂત છાત્રાલયમાં રહી ભણાવતાં અને ત્યાંથી ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી આજે પોતાના પરિવારને ઊંચાઈ ઉપર લઈ ગયાં છે. કપાસની મોટી ખેતી થતી જેથી જીનીંગ અને પ્રેસીંગનો ઉદ્યોગ મોટા પાયે થતો, કલ્યાણપુરામાં ભારતનો ચોથા નંબરનો પ્રેસ હતો.

દરેક ગામમાં મોટાભાગે હિન્દુ વસ્તી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય, રામ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શિવ ઉપાસના અને શક્તિની પૂજા થતી. દરેકના મંદિરો, મઠો, દેરાં-દેરી ગામ સમસ્ત સખાવતથી બનાવવામાં આવતી અને તેનો નિભાવ થતો. આ સંસ્થાઓ પાસે ધર્માદામાં મળેલ ખેતી જમીન પણ રહેતી. દરેક સંપ્રદાયની ઉપાસનામાં દરેક ગામ લોકો જોડાતાં અને દાન આપતાં. આમ ખાખરિયા પ્રદેશમાં સાંપ્રદાયિક એકતા હોવાથી ધર્મનિષ્ઠા અને ભક્તિ વિશેષ હતી. પરિણામ સ્વરૂપ નિર્વ્યસની અને પરિશ્રમી ખેડૂતો ર્આિથક રીતે ધીરે ધીરે વિકાસ કરી શક્યા.

શિક્ષણ ખૂબ જ ઓછું હતું. ૩-૪ ધોરણ કે સાત ધોરણ સુધી ધૂળી નિશાળોમાં ભણાવવામાં આવતું. સાત ધોરણ (ફાઈનલ પાસ) શિક્ષકો રાખી શાળા ચલાવવામાં આવતી. પંચાયતી રાજય પહેલાં એક કે બે શિક્ષકો ધોરણ પાંચ સુધી બધાં વિષયો ભણાવતાં. ગામ તેમને પગાર - દાણાં - છાંણાં - રહેઠાણ વગેરે સુવિધા આપતાં. છોકરાઓ ભણતાં પરંતુ કન્યા કેળવણી બિલકુલ નહોતી. બાળલગ્નની કુપ્રથાને કારણે બાળકીના લગ્ન થાય એટલે ભણવાનું છોડી દેતી. સાત ધોરણ પછી માધ્યમિક અને કોલેજનું શિક્ષણ છાત્રાલયોમાં બહારગામ જઈ લેવું પડતું. જેથી સુખી પરિવારો ર્આિથક ખર્ચ કરી પોતાનાં સંતાનોને ભણાવતાં. આજથી ૫૦ થી ૬૦ વર્ષ પહેલાં એક અંદાજ પ્રમાણે ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓ આખા સમાજમાંથી પ્રાથમિક પછી આગળ અભ્યાસ કરતાં. પંચાયતી રાજય પછી ગામો-ગામ સરકારી શાળાઓ થઈ અને પ્રાથમિક શિક્ષણ દરેક લેવા લાગ્યાં. ખેતી પણ કૂવા-ટ્યૂબવેલો બનાવી સારી થવા લાગી. ઉપજ વધી તેમ આધુનિકતા તરફ પ્રયાણ શરૂ થયું.

સમાજમાં જે કુરિવાજો હતાં તેને કારણે સમાજ ઘણો પાછળ રહ્યો છે. માતા-પિતાના મૃત્યુ પાછળ બારમાના દિવસે આખા ગામને જમાડવાનો રીવાજ હતો. જૂઠી અંધશ્રદ્ધા અને પ્રતિષ્ઠાનાં મોહમાં ઘણાં ખેડૂતો પછાત રહ્યાં છે. ઘર કે ખેતરો વેચી બારમાનો પ્રસંગ કરવામાં આવતો. જેમ જેમ શિક્ષણ વધ્યું તેમ તેમ એણે આ કુપ્રથાને વિદાય આપી છે. પરંતુ મૃત્યુ અને મોક્ષ માટે ર્ધાિમક ભાવના જોડાયેલ છે. બારમાને બદલે સંપ્રદાયિક ધૂન કરી જમાડવું તે પ્રચલન થયું છે. આ પણ કેટલું યોગ્ય છે. તે વિચારવા જેવું છે. સાચા ભાવથી કરેલ ધૂન ફળે છે. જે નિઃસ્વાર્થ હોય છે. પરંતુ આજે આવી ધૂન મોટા ભાગે પ્રતિષ્ઠા અને વ્યવહાર બની ગયો છે.

બાળલગ્નો એટલે ઘોડિયામાં દીકરો કે દીકરીના સંબંધો થતાં અને ૧૨ વર્ષે ઉમિયા માતાના આદેશથી વિવાહો-લગ્નો થતાં. જેમાં જન્મેલાં બધાંના લગ્ન થતાં. બાળ અવસ્થામાં લગ્ન કરવામાં આવતાં. કન્યાને ૧૫ - ૧૬ વર્ષ પછી આણાં કરી સાસરે મોકલતાં. આથી કજોડાના પ્રશ્નો - છૂટાછેડાનાં પ્રશ્નો અને આરોગ્યનાં કારણે મરણનાં પ્રશ્નો (વિધવા) સમાજ માટે શીરદર્દ બની જતાં. અહીં દહેજપ્રથાને બદલે વર વિક્રય થતો. સમય જતાં સમાજે તેનો વિરોધ કરી વર વિક્રયને બંધ કર્યો. એકંદરે મોટાઈ દેખાડવાના વિવિધ માર્ગોએ ગરીબ ખેડૂત વધારે ગરીબને દેવાદાર બનતો. આજે આ કુરીવાજોનું આધુનિકરણ થયું છે. કુરીવાજોમાંથી મુક્ત થયાં છે. જેથી જ્ઞાતિપંચ છે પણ તેનું પ્રભુત્વ નહિવત છે. એક આવકાર્ય બાબત એ છે કે છેલ્લા ૩૬ વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરી સમાજને કરોડો રૂપિયાનો લાભ કર્યો છે.

છેલ્લાં ૫૦ વર્ષમાં સમાજમાં શિક્ષણ વધ્યું અને કુટુંબોમાંથી બહાર નોકરી-ધંધો કરવા ગામ છોડી શહેર તરફ ધસારો થવાં માંડ્યો. ખેતીની આવકો ઘટી. મજૂરી વધી. સલામતીના, આરોગ્ય, શિક્ષણ અને વ્યવસાય માટે શહેર તરફની દોટ વધી. અને આજે ગામડાં ભાંગી ગયા છે. યુવાનો બહાર જતાં ઘરડાં રહ્યાં છે. જાણે દરેક ગામ ઘરડાઘર બની ગયું છે. શરૂમાં ખેડૂતો લોહીનું પાણી કરી પાક ઉગાડતા. કપાસ, જુવાર, બાજરી, બંટી, મગ જેવા પાકોની ખેતી કરતાં. આ વિસ્તારમાં ઢોર ઉછેર પર નભતાં ભરવાડ કુટુંબો વગડામાં રહેતાં અને વગડો ચરાવતાં ચરાવતાં ખેડૂતોનાં ઊભા પાકમાં પણ ઢોર ચારતાં. ભેલાણનો ત્રાસ ખેડૂતો માટે પડકારરૂપ હતો. આપણા વડવાઓની સંઘર્ષ કરવાની અદ્મ્ય શક્તિ અને દરબારોનો સથવારો હોવાથી ભેલાણ સામે ઝઝૂમ્યાં. કહેવાય છે કે દરબાર ખેડૂત જયાં સુધી સાંજે ખેતરથી ઘેર ન પહોંચે ત્યાં સુધી પોતે અને પોતાના માણસો ઘોડા ઉપર બેસી રખેવાળી કરતાં.

ખાખરાનાં આ જંગલ વચ્ચે ગામડાં વસ્યાં હતાં. એક ગામથી બીજા ગામ જવા માટે કોઈ રસ્તા ન હતાં. કેડી કે ગાડામાર્ગ પણ નહોતા. ગામના પાધરનાં ઊંચા ઝાડ પર ધજા બાંધતાં અને ધજાને જોઈ સમજતા કે અહીં ગામ છે અને તેની દિશાએ ચાલતાં ગામ સુધી પહોંચી શકાતું હતું.

સમય જતાં રક્ષકો ભક્ષકો બની ગયાં. ચોરી, લૂંટફાટ વધી ગઈ. સીમ ચોરી, ઢોર ચોરી અને લૂંટના અનેક બનાવો બનવાં લાગ્યાં. ચોરી ગયેલ વસ્તુ કે ઢોર પાછાં મેળવવા વળતર આપવું પડતું. વળતરના પણ ઘણાં કેસો થતાં અને ધીંગાણાં સુધી નોબત આવી જતી. પરંતુ એકતા અને હિંમતે આ પરિસ્થિતિમાં ટકાવી રાખ્યાં. "અહિંસા પરમો ધર્મ" માં માનતા આ ખેડૂતો માછીમારી કે પ્રાણીઓના શિકારનો વિરોધ કરતાં અને ઘણીવાર સંઘર્ષ પણ કરવો પડતો.

દરેક ગામમાં મોટાભાગે કડવા પાટીદારો અને ઠાકોરોની વસ્તી હતી. આ સિવાય વસવાયા જ્ઞાતિનાં દરેક ગામમાં એકબે ઘર હતાં. વસવાયા એટલે ગામના વસવાટ સાથે ખેડૂતોને જરૂરી વ્યવસાયવાળાને પણ સાથે વસાવવામાં આવતાં તેને વસવાયા કહેતાં. તેમાં લુહાર, સુથાર, દરજી, કુંભાર, સોની, હરિજન, રાવળ, રબારી-ભરવાડ તથા અન્ય મજૂર કોમના કુટુંબો વસાવવામાં આવતાં. બ્રાહ્મણ અને મંદિરના પૂજારી સાધુગિરી વગેરે ર્ધાિમક પ્રસંગો માટે રહેતાં. આ બધી જ્ઞાતિને પ્રારંભમાં પાસેતા (ખેતીની જમીન) ગામ તરફથી આપતાં. કેટલાક ગામમાં તેમની સેવા બદલ પાંચશેરી - દશશેરી એટલે કાલાં - અનાજ, રોકડ રૂપિયા ર્વાિષક ધોરણે દરેક ઘરથી આપવામાં આવતું. પગારને બદલે આવો હતો વ્યવહાર. ગામનો મુખી સરકારી નોકર ગણાતો. જેનો પગાર ઈ.સ.૧૯૩૬માં બે રૂપિયા હતો. પોલીસ કેસ, જમીન અંગે તલાટી વગેરેનું દફતર તેમની પાસે રહેતું. જન્મ-મરણનું પત્રક મુખી રાખતાં. આઝાદી પહેલાં મુખી (પોલીસ પટેલ) તરીકે સન્માનિત ગ્રામ્ય અધિકારી હતાં. સરકારી અમલદારો મુખીને સાથે રાખી વહીવટ કરતાં. ગામની શોભા, ન્યાય અને શાંતિ રાખવામાં મુખીનો મહત્ત્વનો ફાળો રહેતો.

દરેક ગામમાં પેટાજ્ઞાતિના કુટુંબોનો આધારે ગામ આગેવાનો નિમાતાં. જે ગામના પ્રશ્નો અને વિકાસ તેમના થકી થતો. નાના-મોટા ઝગડાને વ્યવહારના પ્રશ્નો તેઓ ઉકેલતાં. ધર્માદા સંસ્થાઓનું નિર્માણ અને વ્યવસ્થાપન ગામ આગેવાનો કરતાં. વિકાસ માટે સામાજીક પ્રસંગો - લગ્ન સંસ્થાઓના છૂટા છેડા જેવા પ્રશ્નો ઉકેલવા તથા સમાજના કુરીવાજો જેને નાત કહેવામાં આવતી. તેનો વહીવટ ખૂબ જ પધ્ધતિસર, બંધારણ પ્રમાણે અને સમાજની એકતા તથા સામાજિક પ્રશ્નોને ઉકેલવાં, ન્યાય મેળવવાં કોર્ટ ન જતાં જ્ઞાતિપંચ ઉકેલતાં. દર વર્ષે સમાજની સામાન્ય સભા (જનરલ) જેમાં કોઈપણ સમાજનો વ્યક્તિ હાજર રહી શકે. આ સામાજીક મંડળ હતું. તેમાં દરેક ગામનું પ્રતિનિધિત્વ રહેતું. અને સમાજ મળે ત્યારે સામાજીક પ્રશ્નો જેવા કે લગ્ન વિચ્છેદ કે પતિ-પત્નીના કુટુંબોના પ્રશ્નો આ જ્ઞાતિપંચ ઉકેલતું. અને તેનું પાલન સખ્તાઈથી થતું. જો તેનું પાલન ન થાય તો ક્યારેક નાત બહાર એટલે તેની સાથે સામાજીક વ્યવહાર તોડી નાખવામાં આવતો. ર્આિથક લેવડ-દેવડનાં પ્રશ્નો પણ આ મિટીંગમાં આવતાં. દંડ કરવાનો અધિકાર પણ આ જ્ઞાતિપંચ પાસે રહેતો. જ્ઞાતિપંચમાં ક્યારેક પક્ષા-પક્ષી થતી અને અન્યાય પણ થતો. પરંતુ બહુધા ન્યાય મળતો. પંચની રચના ઉત્તમ હતી.

જ્ઞાતિપંચની રચના -

આમાં (૧) જનરલ બોડી (૨) કારોબારી (૩) ન્યાય પંચ (જેમને જયુરી કહેતાં), ન્યાયપંચના સભ્યો જનરલમાંથી ચૂંટાતા અને ગીતા ઉપાડી ન્યાય કરવો પડતો. કદાચ કારોબારીથી પ્રશ્ન ન પતે તો જનરલમાં આવતો અને તેના ઉપર ચર્ચા થતી. સાક્ષીઓ તપાસવામાં આવતાં અને અંતે ન્યાયપંચ ચૂકાદો આપતાં. કદાચ આ ચૂકાદામાં અન્યાય થયો છે તેવું વાદી કે પ્રતિવાદીને લાગે તો ફરી નિયત ફી ભરી જનરલ બોડીમાં અરજી કરી શકાતી. અને જાહેરમાં ચર્ચા અને પ્રશ્નની સત્યતા જોઈ ન્યાય મળતો. જયુરીના ચૂકાદા વિરૂદ્ધ પણ જનરલ ચૂકાદો આપતી અને તે માન્ય ગણાતો. બહુમતિનો સિદ્ધાંત પર ન્યાય કરવામાં આવતો.

ખાખરિયા સમાજ અને ઝાલાવાડ સમાજનું પ્રારંભથી આજ સુધી સામાજિક દિકરા-દિકરીઓના સંબંધ માટે જોડાણ છે. આ સિવાય વઢિયાર તથા ચૂંવાળ સમાજ સાથે પણ સંબંધો માટે પ્રતિબંધ નથી. જોકે આજે તો હવે જ્ઞાતિબંધનો શિથિલ થઈ ગયા છે. પણ કડવા પાટીદારો કડવા પાટીદારો સાથે જ સંબંધોથી જોડાય છે.

– પ્રો. ઝવેરભાઈ પટેલ

વધુ માહિતી માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો.

Owner of originalhttp://zakhapatel.org/history.php

» Show All     «Prev 1 2 3 4 5 6 ... Next»     » Slide Show




Home Page |  What's New |  Most Wanted |  Surnames |  Photos |  Histories |  Documents |  Cemeteries |  Places |  Dates |  Reports |  Sources